Wednesday, November 5, 2014

ગીત

ધૂણી શકે કોઈ ખડકી એવા પવન નાસતા ભાગે, સીમે સન્ન સન્ન ફૂંકાય
એરંડાની વા બાઝેલી કૅડ જરી કંપે થથર થથરે પણ એથી ઝાઝું ક્યાં ઝૂકાય?

નીકળ્યાં કરતાં ઉંધમૂંધ સિસકારા, " લાગ્યો દવ! બચાડો, વેલ અમારી કજળે."
સીમ ભટકતાં બાવાની રંજાડ, ઝૂંટવી ચાર મૂળ કંઈ બોખા મોઢે ચગળે
કોને કહેવું ઝાડ ? કોને વળગાડ? પવનનાં સૂસવાટા સૂકાય

ખરી જતાં પીળાનાં જ્યાં લગ વર્તુળ વહેતાં જાય છે ત્યાં લગ મરું મરું લીલાશ
બ્હાર ખરે તો જડે કે કેવું રીઝ્યા ઉગ નાં દેવ, કે મરવું બીજે નામ જીવાશ
પગથી પરથી કૂદી પડે બે બોલ, પલાણે વાસ , ને તરત જ પડઘાઓ ટૂંકાય

Wednesday, October 29, 2014

પ્રિય કવિ શ્રી ગુલામ મહોમ્મદ શેખને અર્પણ

સવારે ઉતાવળમાં બંધ કરેલી બારીમાં
સળવળાટ દોડી જતી સોનેરી કીડી ક્યાંક ફસાઈ ગઈ
તે સૂર્ય આજે આથમી ન શક્યો
લંબાઈ, ખેંચાઈ ને જામી ગયેલાં બરફ ઉપર
સતત ત્રાટક કરતાં રહ્યા સૂર્યમુખીનાં મુખની વક્રતા
ફંગોળી ને પાડી દીધાં છે
ગલીના નાકે લેમ્પ પોસ્ટ પર
આળસ મરડું મરડું કરતાં ઘુવડો ને.
પડતાંની સાથે ટુકડે ટુકડામાંથી
ઝીણાં ઝીણાં ઉમટેલાં ચક્રવાતોમાં...
દસકા, સૈકા, સદીઓ થી
ચંદ્રને ચાવી ચાવી પેટને અજવાળનારા
આગિયાઓનો અખંડ દીપ ઓલવાઈ ગયો
તે હવે
સામેના ઘરની બારીમાંથી
લોંગ એક્પોઝર આપી આપીને
તસ્વીર ખેંચનારા ને
માત્ર ડાર્ક રૂમ ની જરૂર છે
હું બિચારી આંગળીઓ ને વશ થઈ
બારી ઉઘાડી દઈશ
સૂર્ય આથમી જશે
અને ચંદ્ર
ચંદ્રતો આમેય ચવાઈ જ ગયો છે ને

Wednesday, October 22, 2014

એક સરરીયલ કાવ્ય

ફૂટી ઉગ્યું ઝાડ
ને આપી ગાળ
ને માથે ચણી લીધી એક પાળની ઉપર
ઉગે ડબ ડબ પરપોટાનાં ફાલ

એ જાણે ભાંગે ભેદનાં કિલ્લા
કોઈ મજૂર ઠોકે ખિલ્લાં
કોના પગમાં? કોના પગમાં?

ધબ ધબ વહેતા રગ્ગે રગમાં...
પાણી અગત્સ્યનાં મૂતરેલાં
પાણી ઓટમાં જઈ ઉતરેલાં
નાંખો પહેલો પત્થર, ધબાક
છટકે માછલીયાળી આંખો
ઉડે પાંખ વગર રઘવાટો
આવી સન્ન સરકતું વીંધે
અષ્ટ વરણમાં, ચાર ચરણમાં
જૂનાં છંદ ફંદમાં ઉતરે ત્રાંસું થઈને

કાને અથડાયે બોરિંગ બગાસું ખઈને

પડી તિરાડ, કાનની ઉંડી ગુહામાં
તુંય જરા ઢંઢોળ,
ઉતરડી નાંખ
પડ્યાં રસ્તામાં વહેતા
માખીનાં મળદ્રવ્ય ભરેલાં નાળાં

નાળે બૂડ બૂડ ડૂબ્યો જાય
શબદ
હંકારો
હલેસું મારો
ઝડપો
ફાટ કલેજાં તડપો

કાળાં લૂગડે
નાચે વિધવા
રંગ ઉડાડી

જુઓ જાય જાય ઓ જાય
મહિષ

ને ધફાંગ કરતી તૂટી પડે ડોરબેલ

સફાળો જાગે
વળેલો પાટને પાયે અજગર
ફરતો લસ લસ વહેતો ફરી વળે
પૂતળામાં
ઘરનાં ઈશાન ખૂણે પૂજાતા
કાળા દેવ, નરકનાં દેવ

વજાડી તાળી ગાતાં જાય
ને ભેળી ચપટી લેતાં જાય

dead won't be able to hear
you sure, will be able to steer?

ને ભાંગો, કીડી ચઢ્યાંની વેળ
રાફડા, ચડ્યાં લાકડે
ઉભાં, આડાં
મજૂર ઠોકે ખિલ્લાં
મારા પગમાં, મારા પગમાં
મોઢે લઈ બેઠાં કંઈ ફીણ ભર્યાં પરપોટા
ટીંટૉં ટીંટૉં કરતા જાય
ઍમ્બ્યૂલન્સમાં
માથે લાલ રંગ લટકાવી

જુઓ જાય જાય ઓ જાય
મહિષ

ઓ જાય જાય ઓ જાય
મહિષ

ઓ જાય જાય ઓ જાય
મહિષ

..
..
..

ઝાલ્યું ઝપાંગ કરતું શૃંગ
કીકીએ કીકી જઈ અડકાડી
કરી જ્યાં આપ-લે વીત્યાંની

ઉતરે હાથ ગળે
ને ખેંચી લાવે
ઝળહળ જ્યોતિ શ્વેત
લાલ, ભૂરાશ, નહીં લીલાશ

ને ગળતાં ગળફાંની પીળાશ

ને ભાંગ્યા માખીનાં ઢીંચણની
ખદબદ બખબખતી કાળાશ

ને એમાં હાથ ખવાતો જાય
ને એમાં લિંગ ખવાતું જાય
ને એમાં ખુલી ગયેલું જડબું
બેઠું રહેતું કોઈ ગૉખે

ધફ્ફ દઈને ફૂટે કપાલ
વિચારવાયુ મોક્ષે જાય

કજળે બુઝું બુઝું બે શ્વાસ

જરા શું થપકારો
લઈ ખોળામાં બે આંખ કાન એક નાક,
હોઠ બે, જીભ સંગાથે દાંત
પછી જ્યાં જરા જરા શું
જાય ખૂપતું
અદ્ધર માટી થીયે ઉંચે
સડ્યા શ્વાનની પૂંછે

લઈને શહેર ની તીણી ધાર
ખસી કરતાંક જ પીગળી જાય
ને જ્યાં જ્યાં ત્યાં ત્યાં જ્યાં ત્યાં
અણું અણું માં
કંપી અડધું ફફડી

અજગર સૂતો હોયને

ફડાક કરતું ફૂટી નીકળે ઝાડ
તો આપો ગાળ
ચણો એક પાળ
ને ઉતરી આવો તૂટક ગદ્યે

ભેદનાં કિલ્લાં, ખિલ્લાં, પગ, રગ, આંખો, પાંખો,
બૂડ બૂડ બૂડ બૂડ બૂડ બૂડબૂડબૂડબૂડબૂડબૂડડડડડડડડડડડડડડડડ....ડ...ડ..ડ..ડ્...ડ્..ડ્...ડ્

Wednesday, October 15, 2014

ને રજાનાં દિવસે...

ને રજાનાં દિવસે હું દરવાજે ઉભો રહીને રાહ જોઉં છું
ફોન વાગે
બે હથેળીમાંથી એકદમ જ છૂટી પડી જતી
ચામડી માફક, દિવાલનો રંગ ખરતો જાય છે
ઉંબરા પર એક ઘૂંટી પર બીજો પગ દઈ
નાકની અણી ખોતરતાં ઉભા રહી જવાય
ને પછી ડોક નમે કે
ફડાક દઈને ઉડી જાય કાન પાસે થઈને
ફોનનાં બીજા છેડા પરનું હાસ્ય
ને કરોડરજ્જુમાં સટાક દઈ સણકો ઉપડે...
ને નખમાં બારસાખ લઈ
ઉંબરેથી ઉતરી પડાય

ભીની ગેલેરીમાં કાદવ કરતાં
ખદબદ થતાં કીડાં માથામાં ઝઘડી પડે
બારી ઝાલીને, રજાનાં દિવસે ફરી હું રાહ જોઉં છું
ફોન વાગે

બારીનો કિચૂડાટ
પેઢે થઈ લોહીમાં ઉતરી જાય
ને કેટલાંય ભવનાં પાણી નીતરી જાય
શરીરનાં એકેક કોષમાંથી
ચારે બાજુ ફર્યાં કરતી બારી, ગેલેરી, દરવાજો
ને કાદવમાં ધરી પકડી રાખીયે

ખૂંપી જવાય
છેક નીચે
હાથ પગ જકડાઈ રહે
આંતરડા ઑકી કાઢવાની બીકે
બારીનો કડવો કિચૂડાટ થૂંકી નાખો

દાઢીનો એકેક વાળ હવે લાલ થઈ ઉગે
ને ફૉન વાગે, રજાનાં દિવસે

કાદવમાંથી હાથ શોધી કાઢવા
લાંચ કોને આપશું?
ને ફૉન વાગે, રજાનાં દિવસે

હવે દિવાલનો રંગ થઈ બેઠા "કશું જ નહીં" ને
ઉતરડી નાંખવાય
નખમાંની બારસાખ ક્યાં જઈ ઠાલવી શકાય?
ને ફૉન વાગે, રજાનાં દિવસે

જાગી જાઓ હવે
ડાબો પગ પાછળથી ઘસડાતો, ઢસડાતો
ખેંચી ખેંચીને જમણો પગ થાકી જાય છે
એને ગળેથી પાણી પાવા ઉઠવું પડશે

મોઢું સાફ કરી પાછાં
ઉંઘી જાઓ

ને રજાનાં દિવસે...
દરવાજા પાસે...
ફોન વાગે...

Wednesday, October 8, 2014

ધીરે રહીને

ધીરે રહીને સાવ સામે આવી જાય એવાં બે ચાર અવાજો અડધી રાત્રે ગાંડા થઈ જાય, આજુ બાજુનાં બે-ચાર ઘર, ચામડીની અપારદર્શકતાને ખોટી પાડી આગિયા માફક ખોવાઈ જાય. સમાચારમાં વાવાઝોડાનાં અણસાર છે, ને ફળિયાનું ઝાડ પડી જાય, જરાય પવન વાયા વગર, તે આ સ્થિરતાનો ભાર જ કેવો હશે કે હલ્યા વગરનું પડી જવાયું, બે ચાર દિશાએ ફંગોળાતાં રહીએ તે દૂર ઉભો ચિત્રકાર લીલો ડાઘો પાડી દે, તે જરૂરી હતો આમેય, ને એમાં જરાક કાળો પૂરે એટલે કાલ...ે ખુલ્લી થાળી મૂકી રાખેલ એમાં કંઈ મહિનાઓની મોત મરી ગયા હોય તેવી ગતિ થઈ જાય, ને કાળી ફૂગ બાઝે ને કેવી સૂક્ષ્મ સૃષ્ટિ રચાઈ જાય એમાં સતત આવ-જા કર્યા કરતાં પીળાં કિરણો, ધૂળ-ધોયાં, ને એક કીડી ફરકે કે પડઘાવા માંડે બધી દિવાલો, ને બંધ બારણાંમાંથી ધીમાં પગલાં લઈ એ આવી પડે ને કહે, "ચલ ચલ, બાર નો ટકોરો પડવા દે હવે, છોડી દે! ", ગરમી હશે એ દિવસે, શર્ટ ન'તું પહેર્યું, ને ઘૂંટણ પર હાથ મૂકી બેસી રહ્યા, ઘેટાંઓનાં અસ્થિઓ દોડતાં જોઈ રહ્યાં, દિવસો- દિવસ, રાતો-રાત. ને હલી ગયેલું કેન્સરસ જડબું પડી જાય, ને પીળાં દાંત વચ્ચે છાની કેવીય વાતો, કહેવાં કરતાંય પાપ ચડે, કે બસ ઘર તરફનો છેલ્લો બ્રિજ ચડતાં જ ઉકરડાં વચ્ચે ફસડાઈ પડાય. ના, ના જો, પાછો વિચારે ચડ્યો, ઉભો તો છે ફૂટપાથ પર જ, ઉકરડે કોઈક તો પડ્યું હશે, રામ જાણે! ધ્યાન કોણ આપે છે? તમેય નહીં ને હું ય નહીં! "તે તને તકલીફ શું છે કહીશ મને?, જો તને જ ખબર નથી કે તું શું કહેવા માંગે છે તો હું તને કેવી રીતે કહી શકું કે તું શું કહેવા માંગે છે?" ને પેટ સળવળે, ઉલટ કરતુંક મોત ઉતરી આવે ગળાંની બહાર. કોણી થી કાંડા તરફ, યસ, ધેટ્સ ધ વે. તે પલંગ પાસે બેઠેલી એ ઉભી થઈ છે, ને તે બેઠો. હાથ પાછળ ટેકવી, ત્રાંસા ધડમાં એનાં એકેક વિચારો અથડાઈને સામે બેઠેલીનાં ચહેરાં પર કેન્દ્રિત થઈ રહ્યાં છે. ખિસ્સામાં બહુ જાળવીને સાચવેલો, સાચવીને શોધેલો, સમયની લીલ બાઝેલો, પાણીપોચો, પત્થર કાઢી આપે છે એ. બાંધી દઈ મારાં પગે, હું ગરકાવ થઈ જઉં છું, ભાષામાં, બોલીએ છીએ એવી નહીં, ને વાંચીએ છીએ એવીય નહીં. ને વિસ્તરી જઉં. સવાર પડે - કે પછી રાત પડે? - ઉભો થઈ ફર્યાં કરી, હર્યાં કરી, થઈ લઉં.

Wednesday, October 1, 2014

મળસ્કે

મળસ્કે
કાન પર બણબણતાં મચ્છરની માફક
સવાર જગાડી મૂકે

રાત્રે
સાવ ફસડાઈ પડતાં પહેલાંની ક્ષણ
ને એમાં છાતી ખોલીને નીકળી પડતાં ચાંચડ
પગ પર ફર્યા કરીને
જાંઘો ભેગી થાય ત્યાં સ્થિર થઈ જાય
ને કૂદી પડે...
એક એક પીંછું ચૂંટી લેવાતું હોય એવાં પક્ષીની સન્ન્ન્ન કરતી ભાગી નીકળતી ચીસ જેમ
સફેદ દરિયાની હૂંફાળી નિર્જીવ સ્થિર સપાટીમાં જંપલાવી દે

ને પરસેવે રેબઝેબ

લિટમસ પેપર પર મૂકી મૂકી દરેક ફેન્ટેસીની
એસીડીટી ચકાસતાં
ટેરવાં દાઝી જાય

ફરી પાછાં રાત્રે
છાતી ખોલી ચાંચડ નીકળી આવે
આ વખતે ચોપડીનાં કાગળ જ્યાં ભેગાં થાય ત્યાં સ્થિર થઈ જાય

ને કૂદી પડે
વગર એનેસ્થેસિયા એ આંતરડાં સીવાતાં હોય એવાં કોઈ સેડીસ્ટનાં
બ્રહ્માસ્વાદસહોદર આનંદનાં બરાડાં માફક
સફેદ દરિયાની આ ચેતનાનાં મહાસાગર સમી ઉફાળાં ભરતી સપાટીમાં
જંપલાવે કે ફટાક
કરતાંક
કોઈ અદ્રશ્ય હાથની ઝપાટથી
ફેંકાઈ જાય
દૂર
મારી સમજણ અને સંવેદનશીલતાની બહાર

ને
મળસ્કે
કાન પર બણબણતાં મચ્છરની માફક
સવાર જગાડી મૂકે

Wednesday, September 24, 2014

અપદ્યાપદ્ય દોહરાં

ઉગ્યાનું લઈ લાલ, ને લઈ ઢળતાનું કાળું ઘાટ્ટ
છેલ્લાં પહોરે આંખ, બોળી દીધી આભમાં

રતિ કરે પગ ધૂળમાં, ને છાતી ઝાલે હાથ
બાંહે ખદબદ મેળ, નખ-આંગળ ને સ્કંધનો

વરસાદે ચૂંચાં કરે નળિયા જેવો ઘાટ
તૂટી પડે જ્યાં આંખ, દાઢી ઉંચકે દ્રશ્ય સૌ

રીઢા ગુનાહગારની, મુઠ્ઠી માં સચવાય...
લઈ એવો એક શબ્દ, ચાલી નીકળ્યા અંતમાં

અરસ પરસ વાતો કરે, બળી મરેલી પાંખ
'જો ને કેવી જાત!, મરે મરે પણ ગાય નંઈ'

એક જ ચપટી વાગતી હળવી ક્ષણની ફાંસ
પોક પોક ચિત્કાર, 'ના ના નહીં બોળી દઉં'

ઉગી પડતાં ફૂલની કચરી દઈ નરમાશ
ઉઘડી દીધી બાથ, ધસમસ હોવું વચ્ચેથી

લડ તું પઢનારાં, લઈ સમજણની એક ટાંચ,
સંવેદનનાં કાચ, ઝાકળ જેવું ભાંગતા

કોક જ ખૂણે હું મળું, હું ને મારું સાચ
બેસી જાજો સાથ, હું આશીક તમ પ્રિયતમ